માતા જીજાબાઇ અને પિતા શાહજીના ઘરે સવંત ૧૬૮૨ ફાગણ વદ-૩ 19 ફેબ્રુઆરીના મહારાષ્ટ્રના શિવનેર કિલ્લામાં તેજસ્વી પુત્ર રત્ન અવતર્યો અને એ પુત્રએ મહાન પ્રતાપી છત્રપતિ શિવાજી મહારાજ તરીકે નામના મેળવી. સ્વાભિમાન, માતૃભુમિનો પ્રેમ, ચાતુર્યતા, નિડરતા, ધર્મભક્તિના સંસ્કારો લઇને જન્મેલ શિવાજીના લગ્ન ૧૬ મી મે ૧૬૪૦ ના ફલટણના નિબાકરજીની પુત્રી સલ બાઇ સાથે પુનામાં થયેલ. શિવાજીએ વિધર્મીઓ સામે એલાન છેડયુ અને તોરણગઢ, રાયગઢ, કોંડાણ વગેરે કિલ્લાઓ પર વિજય મેળવ્યો. તેમણે છાપમાર સેના શિવસેનાની સ્થાપના કરી હતી. શિવાજીની કાર્યશૈલી પર સંત જ્ઞાનેશ્વર, એકનાથ, તુકારામ, ગુરૂ રામદાસ સ્વામી, દાદાજીના આશિષ અને પ્રભાવ હંમેશા રહેતો. શિવાજીના કાર્યોથી ભારતમાં હિન્દવી રાજયની પ્રચંડ લાગણી જન્મી. શિવાજીનો રાજયભિષેક થયો. હિન્દુ સ્વરાજયની સ્થાપના કરી સાદીલ શાહ, અફઝલખાન, સુમાઓને પરાસ્ત કરી મોગલોની છાવણી લુંટી જેથી ઔરંગઝેબે શિવાજીને નજરકેદ કર્યા. પરંતુ યુક્તિપૂર્વક ત્યાંથી નીકળી ગયા અને ઔરંગઝેબ સામે યુધ્ધ છેડયું. સમગ્ર ભારત વર્ષમાં સ્વદેશ, સ્વધર્મ ભાવના, પ્રજાપ્રેમને બુલંદ કરનાર છત્રપતિ શિવાજી મહારાજ માત્ર ૫૩ વર્ષની વયે ઇ.સ.૧૬૮૩ માં ૩ એપ્રિલના માતૃભુમિના ખોળે પોઢી ગયા. આવા વીર સપુતને સત્ સત્ વંદન.
